Friday, March 4, 2016

Din Vishesh 4/3/2016

આજે ૧૩પમી પુણ્યતિથિ
ભજન કરો-ભોજન કરાવો પૂ.જલારામ બાપાનો જીવનમંત્ર
ભજન કરો-ભોજન કરાવો પૂ.જલારામ બાપાનો જીવનમંત્ર
   વાંકાનેર : ભજન કરો, ભોજન કરાવો, જે પૂ.બાપાનો મંત્ર હતો જે ઉકિત અનુસાર આજે વીરપુરની પાવન તપોભુમિમાં પૂ.શ્રી જલારામબાપાના મંદિરમાં વર્ષોથી 'હરી હર', 'મહાપ્રસાદ' ચાલુ છે. માત્ર સૌરાષ્ટ્ર જ નહી પરંતુ દેશ-વિદેશથી વીરપુરધામમાં પૂ.બાપાના દર્શન કરવા આવે છે અને તન-મનની શાંતિ મેળવે છે. 'રામનામ મૈ લીન હૈ, દેખત સબ મે રામ, તાકે પદ વંદન કર જય જય જય જલારામ', વીરપુરમાં પૂ.જલારામબાપાના મંદિરે ભગવાન શ્રીરામચંદ્રજીના તેમજ પૂ.બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
   વીરપુરમાં પ્રધાન ઠક્કર નામે સજ્જન વેપારી રહેતા હતા. તેમના ધર્મપત્નિનું નામ રાજબાઇ, રાજબાઇ અતિ ધાર્મિક અને દયાળુ સમય જતા તેમણે એક પુત્રને જન્મ આપ્યો. તેમનુ નામ બોધાભાઇ, તેઓ પાંચેક વર્ષના થયા હશે ત્યારે દ્વારકાની જાત્રાએ નીકળેલા સંતશ્રી રઘુવરદાસજી સાધુ મંડળી સાથે વીરપુરમાં આવી પહોંચ્યા તેમણે ઘણાને પુછયુ કે, અમારા ભોજનનો પ્રબંધ થશે ? ત્યારે એક માણસે કહ્યુ કે, 'તમે પ્રધાન ઠક્કરને હાલ્યા જાઓ ઇ તમને જમાડશે', સંત મંડળી સાથે પ્રધાન ઠક્કરને ત્યાં પહોંચ્યા તેમણે અને રાજબાઇને સંતોનો ભાવથી સત્કાર કર્યો અને રસોઇ બનાવી જમાડયા. રાજબાઇએ બોધાને સંત રઘુવીરદાસના ચરણે નમાવ્યા અને સંતે તેને આશીર્વાદ આપતા કહ્યુ કે, 'મૈયા, કલ્યાણ હી તમને બીજો પુત્ર અવતરશે તે પરમ ભકત થશે તેનુ ભારતના ઇતિહાસમાં સોનેરી અક્ષર લખાશે. આમ આશીર્વાદ આપી સંત મંડળી દ્વારકાધીશ ચાલી નીકળી', થોડા સમય પછી રાજબાઇ બીજો પુત્ર અવતર્યો તે જ પૂ.શ્રી જલારામબાપા, પૂ.જલારામબાપાને માતા-પિતા રૂડી રીતે ઉછેરવા લાગ્યા. કારતક સુદ સાતમના જન્મ થયો. થોડા સમય પછી રાજબાઇએ ત્રીજા પુત્રને જન્મ આપ્યો તેનુ નામ દેવજી રાખ્યુ.
   એકવાર ગીરનાર તરફથી એક વૃદ્ધ સંત રાજબાઇના ઘરે આવ્યા ત્યાં જલારામ રમતા-રમતા આવી ચડયા. સંતનેે જોતા જ તેમણે પ્રણામ કર્યા, સંતે તેમના માથા પર હાથ મુકી કહ્યુ 'બચ્ચા', પહચાના મુજે ? જલારામે હરી પ્રણામ કર્યા અને સંત અદ્રશ્ય થઇ ગયા. માતાને રઘુવરદાસની ભવિષ્યવાણી યાદ આવી તેઓ પ્રેમથી જલારામને જોઇ રહ્યા પરંતુ ત્યાર પછી જલારામબાપા જાણે પુર્વ જન્મનું જ્ઞાન થઇ ગયુ હોય તેમ નિરંતર 'સીતારામ...રામ...રામ...'  બોલવા લાગ્યા. પૂ.બાપાને ૧૪ વર્ષની ઉંમરે જનોઇ આપવામાં આવી હતી.
   થોડા સમય પછી તેમની સગાઇ આટકોટના ઠક્કર પ્રાગજી સોમૈયાની પુત્રી 'વીરબાઇ' સાથે કરવામાં આવી. તેમને લગ્ન કરીને સંસાર માંડવાનું સહેજે મન ન હતુ, પરંતુ તેમના માતા-પિતા ન માન્યા અને તેમના લગ્ન થયા. પૂ.બાપાના ગુણો નાનપણથી ખીલી રહ્યા હતા. તેઓ જેમ જેમ મોટા થયા તેમ તેમ કરૂણાને દયા વધતી ગઇ, 'સાધુ-સંતોને પૂ.બાપા માનપુર્વક દુકાને બોલાવીને 'અન્નદાન-વસ્ત્રદાન' કરતા પરંતુ હાલત એટલી સારી ન હોવાથી પૂ.જલારામબાપાના પિતા પ્રધાન ઠક્કરને આ ન ગમ્યુ. થાકીને પ્રધાનશ્રી ઠક્કરે તેમને જુદા કર્યા એ વાતની ખબર તેમના કાકા વાલજી ઠક્કર ને પડી, તેમને સંતાન ન હતા. આથી તેમણે જલારામબાપાને બોલાવી પોતાની કરિયાણાની દુકાને બેસાડયા. તેઓ પોતાના 'પ્રભુ ભકત' ભત્રીજા માટે અપાર સંતોષ અને હર્ષ કરતા હતા.
   દસ-બાર સાધુ-સંતોની એક મંડળી ગામમાં પ્રવેશી બજારમાં ટહેલ નાંખી પરંતુ કોઇએ ધ્યાન આપ્યુ નહી પરંતુ એક વેપારીએ સાધુ-સંતોને કહ્યુ કે, મહારાજ આ બજારને નાકે જલારામ ભગતની દુકાન છે ત્યાં બધા જાઓ તે ભગત તમારી ઇચ્છા પુરી કરશે. સાધુ મંડળી પુ.જલાબાપાની દુકાને આવ્યા. પૂ.બાપાએ કહ્યુ 'જય સીયારામ' કહેતા સંતોને પ્રણામ કર્યા, પધારો મહારાજ આપ કયાંથી પધાર્યા છો ? મારા લાયક સેવા કહો, આ સાંભળી સંતોને આનંદ થયો એક વૃદ્ધ સાધુએ કહ્યુ શેઠજી અમે મથુરાથી આવી છીએ અને 'ગીરનાર'ના ગોદમાં જવાના છીએ. અમારા પર કૃપા કરી પાકા સીધાની સગવડ કરી આપો. પૂ.જલારામબાપાએ કહ્યુ કે, મહારાજ આ દાસ આપની ઇચ્છા પ્રમાણે સીધાની સગવડ કરશે. સંતોએ 'રામજીની જય' બોલાવી તેમાં વૃધ્ધ સંત પૂ.બાપા પાસે રોકાયા સૌ સામગ્રી આપી 'ગોળના છાણા થયા અની ઘીનુ પાણી' તે પણ પૂ.બાપાના પરચા છે.
   ફતેપુર અમરેલીમાં ભોજલરામબાપા નામે મહાન ભકત રહેતા હતા. પૂ.બાપા ભોજલરામ બાપા પાસે ગયા અને પ્રણામ કરી કહ્યુ કે, બાપા તમે મારા ગુરૂજી બનો અને મને કંઠી બાંધો 'રોમેરોમમાં રામ વસેલા છે', કહીને ભોજલરામ બાપાએ જલારામ ભગતને કંઠી બાંધી પછી જલારામે કહ્યુ બાપા મારે સદાવ્રત ચાલુ કરવુ છે આપ મને આશીર્વાદ આપો, આ સાંભળી ગુરૂશ્રી ભોજલરામ બાપાને હર્ષ થયો. તેમણે કહ્યુ જલારામ મારા આશીર્વાદ છે ભગવાન શ્રી રામચંદ્રજીની ઇચ્છાથી તારૂ આ સદાવ્રત સદા માટે ચાલતુ રહેશે 'સાધુ-સંતોની સેવા કરજે', ગૃહસ્થાશ્રમ-ધર્મ નિભાવજે તને કોઇ અડચણ આવશે નહી. પૂ.જલારામબાપાને આનંદ થયો. ગુરૂજીની પ્રેરણાથી પ્રણામ કરી આશ્રમ બાંધવા લાગ્યા...પૂ.જલારામબાપા આશ્રમ બાંધતા હતા ત્યારે એક સંત તે જગ્યાએ પધાર્યા, પૂ.બાપાએ આવકાર આપી જમાડયા, વિશ્રામ કરવા વિનંતી કરી પ્રસન્ન થયેલા સંતે જતી વખતે પોતાની ઝોળીમાંથી એક લાલજીની મુર્તિ જલારામબાપાને આપી અને કહ્યુ કે, 'ભકત' આ લાલાજીની સાચા હૃદયથી સેવા-પુજા કરજે તારે ત્યાં સદા વૈકુઠનો વૈભવ રહેશે. તારી આ બંધાઇ રહેલો આશ્રમ 'તીર્થધામ' તરીકે આ લોકમાં પ્રસિધધ થશે અને તારૂ નામ અમર થઇ જશે ત્યાં સંત ફરી બોલ્યાઃ 'ભકત' આ જગ્યામાં શ્રી બજરંગબલીની ગુપ્ત મુર્તિ છે તે આજથી ત્રીજે દિવસે પ્રગટ થશે. તેની ભાવથી પુજા-ભકિત કરજે તારૂ સદા કલ્યાણ થાઓ. 'જલારામ અને વીરબાઇ'ને આશીર્વાદ આપીને સંત ચાલ્યા ગયા. પૂ.જલારામ બાપાની પત્નિ વીરબાઇ રામનામ લેતા ખેતરમાં મજુરીએ જતા મજુરીના દાણા પરતા આપી દેતા, આપા જલારામબાપા અને વીરબાઇએ મજુરી કરીને ચાલીસ મણ દાણા ભેગા કર્યા, રામજીનું નામ લઇને 'સદાવ્રત' ચાલુ કરી દઇએ, ગુરૂજીએ પણ સંમતિ આપી છે. સવંત ૧૮૭૬ના મહાસુદ બીજે ગુરૂ ભોજલરામ બાપા અને શ્રી રામજીનું નામ લઇને 'જલારામ ભગત' વીરપુરની તીર્થભુમિમાં પોતાના આશ્રમ 'સદાવ્રત', 'હરી હર' ચાલુ કર્યુ, વીરબાઇ રસોઇ કરતા જાય અને પૂ.બાપા ગરીબ-સાધુ-સંતોને જમાડતા જાય. આ સદાવ્રત વર્ષોથી વીરપુરની પાવન ભુમિમાં ચાલુ છે.
   વીરપુરની પાવન ભુમિમાં પુ.સંતશ્રી જલારામ બાપાના મંદિરે સૌરાષ્ટ્ર-ગુજરાત જ નહી પરંતુ દેશ-વિદેશથી ભાવિકો-ભકતો પૂ.બાપાના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને તન-મનને શાંતિ મેળવે છે તેમજ પૂ.બાપાનો મહાપ્રસાદ લઇ ધન્યતા અનુભવે છે. આ દિવ્ય અવતારી સંતશ્રી જલારામ બાપાની (૧૩પમો) પુણ્યતિથિ નિમિતે કોટી-કોટી વંદન...

No comments:

Post a Comment